જીવવાનું એક કારણ નીકળ્યું
ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
મેં કફન માનીને લીધું હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું
—-
તરબતર આંખોય પ્યાસી નીકળી
રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને જોવા અગાસી નીકળી
—
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી
—
ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી
કૈલાસ પંડિત