આંખમાં ખૂંચી રહી ‘તી એક બે ઘટનાની ધૂળ,
ને ચહેરા પર નથી એ જે હતી હમણાંની ધૂળ.
વસ્ત્ર ધોળા એક કારણથી સદા પ્હેર્યા કરું,
ના કદી લાગી શકે રંગીન આ દુનિયાની ધૂળ!
દસકો વીતી જાય કે વીતે સદી કે જિંદગી,
થાય છે ભેગી કદી ક્યાં તૂટતાં સપનાની ધૂળ?
વાસ્તવિકતા કોઈને અડકી શકે ના એમ કંઈ,
ઘરમાં ચારેકોર ઊડી બ્હારની ચર્ચાની ધૂળ!
ધૂળનો ઢગલો છે ભીતર, કોઈ ક્યાં દેખી શકે,
થાય છે તો માત્ર આંખે થાય છે કપડાંની ધૂળ.
જાનવી ઉંડવિયા