જંગલ આખુ ડોલે, તમરાના લયબદ્ધ ગુંજનથી,
ધીમેથી થયું ગુંજન શાંત, નક્કી માનવ નજીક વસતો હશે.
ઊંચા ભરાવદાર વ્રુક્ષો, ને ચાલવાની ન ક્યાય જગ્યા,
અચાનક દુર દીઠી એક કેડી, નક્કી માનવ નજીક વસતો હશે.
તંદુરસ્ત થડ, જુવાન ડાળી, ને નવપલ્લીત કુમળા પર્ણ,
તાજા કુહાડીના ઘાવ દીસે, નક્કી માનવ નજીક વસતો હશે.
કુણા નાજુક પત્તા મુજ ગાલે ફરે, જાણે સજનીનો હાથ,
ચવાયેલું ઘાંસ, ઘુઘરીના નાદ, નક્કી માનવ નજીક વસતો હશે.
દુરથી લહેરાતી ઠંડી હવા, ગગનમાં ભર્યો પક્ષીનો કલરવ,
શ્વાનનો ભસવાનો અવાજ , નક્કી માનવ નજીક વસતો હશે.
પનરવો, બોરસલી ને વાંસ કેરા ફૂલની મ્હેકતી સુગંધ ચોમેર,
ચડે ઉંચે ધૂમ્રસેર કુટીરમાંથી, નક્કી માનવ નજીક વસતો હશે.
નદી નાળા ને સરોવરમાં જળ ભર્યા દૂધ સા ચોક્ખા ને મીઠાં
દુષીત નાળા ને દુર્ગંધ ઘણી, નક્કી માનવ નજીક વસતો હશે.
– ભરત મકવાણા ‘મીત્ર’