નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !
નરસિંહ મહેતા