સાથીનો વાન ઉજળો ને વાળ કાળા હોવા જોઈએ..
જીવન નો સાથ શોધવામાં રંગો એ રમત માંડી છે.
વર નહીં પણ ઘર સારું હોવું જોઈએ..
કન્યાદાન કરવામાં માંગણીઓ એ રમત માંડી છે.
વિચારો સાચા નહિ પણ સારા બતાવવા જોઈએ..
મનની વાત કહેવામાં શબ્દો એ રમત માંડી છે.
સગો સારું વિચારતો નહી, સારું બોલતો હોવો જોઈએ..
લાગણીભર્યો હાથ શોધવામાં સંબંધો એ રમત માંડી છે.
સંબંધો સ્નેહથી નહી, સ્વાર્થથી સાચવવા જોઈએ..
મૈત્રીમાં પણ આજકાલ પૈસા એ રમત માંડી છે.
ભૂખ્યા રહી ને પણ, વ્રત તો કરવું જ જોઈએ..
સ્વાસ્થ્ય સાચવવા માં રૂઢિઓ એ રમત માંડી છે.
જૂનું ઘોડિયું ચલાવીને પણ શ્રીમંત મોટું કરવું જોઈએ..
જરૂરિયાતો પૂરી પાડવા માં રિવાજો એ રમત માંડી છે.
મૂડી ના વ્યાજ તરીકે પારણું નહી, વંશ બંધવવો જોઈએ..
ખુશીઓના સરનામાં માં ભેદભાવે રમત માંડી છે.
બાળક ને સારા સંસ્કાર નહી, સારા માર્ક્સ આવા જોઈએ..
નવું જીવન બનાવવામાં હરિફાઈએ રમત માંડી છે.
દીકરા એ નવો ધંધો નહીં નોકરી જ કરવી જોઈએ..
મહત્વાકાંક્ષાઓ સર કરવા માં પગાર એ રમત માંડી છે.
વહુ પાસે પ્રેમ નહી, કામ કઢાવવું જોઈએ ..
ઘડપણ નો સહારો બનાવવા માં અહમેં રમત માંડી છે.
વૃદ્ધઆશ્રમ માં રહેતા પિતાની મિલકત મારી હોવી જોઈએ..
લોહી ના સંબંધો માં પણ લાલચ એ રમત માંડી છે.
– પૂજા દવે શુક્લ ‘કાવ્યકુંચી’