ગાગાલગા /૪
છાંયો ધરે માબાપ ત્યાં,
થાવું જ પડછાયો મને.
તાપો હરે માબાપ ત્યાં,
થાવું જ પડછાયો મને.
અંધારેથી કાઢી રહી,
અજવાશમાં મૂક્યો મને..
રંગો ભરે માબાપ ત્યાં,
થાવું જ પડછાયો મને.
ભીના પણે પોતે રહી,
સૂક્કાપણે રાખ્યો મને,
આશે ઠરે માબાપ ત્યાં,
થાવું જ પડછાયો મને.
માનવ જનમ આપ્યો મને,
સોગાત સૌ આપી મને,
સાચે તરે માબાપ ત્યાં,
થાવું જ પડછાયો મને.
સંબંધથી બાંધી મને
સંસ્કાર રસસીંચ્યા મને,
ધરમે કરે માબાપ ત્યાં,
થાવું જ પડછાયો મને.
વંશે ગણે વેલો મને
માણી રહેતી કોકિલા,
સાખે ફરે માબાપત્યાં,
થાવું જ પડછાયો મને.
કોકિલા રાજગોર