પબ્જીમાં મોહ્યો છે કાનો!
ઈન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો.
સાવે અજાણી કો’ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી,
એકલી પડે ને રાધા મથતી ઊકેલવા અઘરી આ દેખાતી લિપી!
એસએમએસ મૂક્યો જશોદાને – કે’તી તી કેદિ’ની, મારું ક્યાં માનો?
ગેલેરી ફંફોસી ગોતી ઈમેજ એક મટકીની, કાને જે ફોડી
વાંસળીના સૂરોની એમપીથ્રી ફાઈલ હતી ક્લાઉડમાં સંઘરેલી થોડી
એફબીની મેમરીમાં જઈને વાગોળે રાધા વીતેલો ગાળો મજાનો.
વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં?
કાનાની સઘળીયે લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગૃપમાં?
કહી દેશે કો’ક પછી – એકલીનો થોડો છે? કાનો છે અહીંયા બધાનો.
પબ્જીમાં મોહ્યો છે કાનો!
ઈન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો.
~ હિમલ પંડ્યા