પરબીડિયામાં પુરાઈ જાઉં સ્પર્શના સરનામે
રોજ થોડીક લખતી જાઉં ખુદને તારા નામે
સ્પર્શીને વહી જાય જળની માફક રોજ મને
ખળખળ વહેતી થઈ જાઉં રોજ તારા નામે
અફવાઓની વણઝાર થઈ વહી જઉ પ્રવાહે,
હકીકત અડકી વહી જાઉં રોજ તારા નામે
કિનારાને અથડાય એ અફાટ દરિયાના મોજા
તરંગોને શાંત કરતી જાઉં રોજ તારા નામે
અડકી જાય જરાકને ઊઘડી જાઉં નખશિખ
સમેટી લઉં છટાથી મુજને રોજ તારા નામે
ઝાકળ જેવું તણખલું સરકી જાય સ્પર્શીને
ભીજવી લઉં ભીતર ખુદને રોજ તારા નામે
હાથમાં દઉં હાથ આજ ધબકાર ગણવા તને
શ્વાસ કેટલાક સાચવી રાખું રોજ તારા નામે…..
ડૉ.ઉષા જાદવ (શ્યામા)