પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.
ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.