કે તો ખરા તારે પ્રભુ! કોઈ જાતની ચિંતા નથી?
જે સાથ રાખે એમના જઝબાતની ચિંતા નથી?
રસ્તા બતાવ્યા ત્યાં જ ચાલ્યા ધ્રુવ ને પ્રહલાદ પણ,
તેં આકરી લીધી પરીક્ષા ઘાતની ચિંતા નથી.
તોફાન આવે લાખ વાસુદેવ ક્યાં ગભરાય છે!
તું સાથ આવે બાળ થઇ મધરાતની ચિંતા નથી.
તારું રટણ,તારું સ્મરણ કરતાં અપેક્ષા જાગતી,
તારી મળે જો પ્રીત ઝંઝાવાતની ચિંતા નથી.
જે સંકળાયેલા હ્રદયથી એમને ખુશ રાખજે,
છે પ્રાર્થના બસ એટલી કાયનાતની ચિંતા નથી.
પાયલ ઉનડકટ