મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! બંદીવાન હું નહિ :
મુક્તધ્યાન ! જંજીરો ન બાંધવા ધરા મહીં.
બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચી ઊંચી :
તારલા હસે – વદે, નભે : હસંત આંખડી.
મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! એકલો કદી નહિ :
માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી :
સૂર્ય, ચંદ્ર – પ્રાણ, ઊર્મિ – તારલા રહ્યા લસી.
એકલો નથી ભલે ન હોય પ્રમીઓ સખા :
અનંત હું અબંધ પ્રાણ ! સાથી આત્મ સર્વદા !
-કૃષ્ણલાલ શ્રીધરાણી