ફૂલો પાસે હતા ફોટા અમારા
ભ્રમર પૂછે છે સરનામા અમારા
તમારા છાંયડા, તડકા અમારા.
તમે ઓઢો, જો પડછાયા અમારા.
તમારા મૌનનાં અંધારા ખૂણે;
લ્યો ગઝલોનાં દીવા મૂક્યા અમારા
પૂછી લ્યો કેમ છો એ પૂરતુ છે.
અભરખા પણ ઉમરવાળા અમારા.
ભલે શણગારો તમને પણ, એ જોવા,
તમારા ખંડમાં તકતા અમારા.
નવું કરીએ કશું દરરોજ કરતાં,
તમારું વહાલ ને છણકા અમારા.
તમે તો છાપ બન્ને માંગી, ને તોય,
અમે સિક્કા ઉછાળ્યા’તા અમારા.
તમે મ્હેંદી મૂકાવી એ ઘડીથી,
બધાં જ્યોતિષ પડ્યા ખોટા અમારા.
– ગૌરાંગ ઠાકર