હું મારા ભાગ્યને પ્રશ્નો પૂછૂં છું બાણશય્યા પર ,
યુગોથી ભીષ્મની માફક જીવું છું બાણશય્યા પર.
પ્રતિજ્ઞા, રાજ સિંહાસન, ધરમ, વૈરાગ ને નિષ્ઠા,
મહાભારત ભવોભવનું શીખું છું બાણશય્યા પર.
ઉઠાવ્યાં શસ્ત્ર કેવળ ધર્મની સંસ્થાપના માટે ,
જખમ દેનારના નામો ગણું છું બાણશય્યા પર.
નથી ઈચ્છા મરણનું વર નથી વરદાન કે અભિશાપ,
છતાં હું પ્રાણ હર જન્મે ત્યજું છું બાણશય્યા પર.
‘હે !અર્જુન’ વત્સ ,વીંધી નાંખ મારી ઘરડી છાતીને ,
હું શૈશવ કાળથી રમતો રમું છું બાણશય્યા પર .
દયા ના ભાવથી જોઈ મને લજ્જિત કરો ના આપ,
ગયા ભવના ઘણા કર્મૉ સહું છું બાણશય્યા પર.
હૃદય વીંધાય છે પહેલાં પછી બે શબ્દ ટપકે છે,
હું ‘સાગર ‘ગીતને ગઝલો લખું છું બાણશય્યા પર.
રાકેશ સગર, સાગર, વડોદરા