જીવવાનું કોઈ તો કારણ જોઈએ
બારેમાસ તરસતો શ્રાવણ જોઈએ
સાવ હળવો તો ઉડી જાય આકાશે
કીડી પર કોશનું ભારણ જોઈએ
શિવાજી ક્યાં હોય છે પારણે પારણે
માતા જીજાબાઈનાં ધાવણ જોઈએ
નહીં તો ભગવાન જ બની જાય સૌ
માનવને માયા ની મથામણ જોઈએ
ક્યાં લાગે છે નગ્નતા એટલી મનોહર
શરીરને આકર્ષાવા આવરણ જોઈએ
લક્ષ્મણ મૂર્છાએ હનુમાનને જગાડવા
શક્તિભાન કરાવતા ચારણ જોઈએ
રામ પણ ક્યાં સર્જી શકે સેતુબંધ
પથરા પર લખનારા વાનર જોઈએ
ઈશ્વરને ય ખાવા આવવું પડે દોડી
બોર માં શબરી નું મેળવણ જોઈએ
ભગવાને ય તોડવું પડે વચન ખુદનું
ભક્ત ભીષ્મનું સામે પ્રણ જોઈએ
-મિત્તલ ખેતાણી