લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ,
આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ !
દીવાલ બોલવા ચહે આધારની કથા,
એ વખતે ઘરમાં હોઈએ, બીજું શું જોઈએ !
જે ચાહે તે પહોંચી શકે આપણા સુધી,
કાયમ એ સ્તરમાં હોઈએ, બીજું શું જોઈએ !
જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ,
એની અસરમાં હોઈએ, બીજું શું જોઈએ !
તારા થયાની ઘોષણા કરવાનું થાય મન,
ત્યારે સબરમાં હોઈએ, બીજું શું જોઈએ !
નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે,
એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ !
‘હોવાની’ જેમાં કંઈ જ જરૂરત પડે નહીં,
એવી સફરમાં હોઈએ, બીજું શું જોઈએ !
– હિરેન ગઢવી