ભીંજાતા હોઠો પર સ્મિતનાં ઝાકળનો હિસ્સો છે તું,
તારામાં મારાં હોવાની હર પળનો હિસ્સો છે તું,
સાવ અકારણ હું બોલું ને ત્યારે તું પાળે છે મૌન,
તરસ્યા શબ્દોનાં હરણાંનાં મૃગજળનો હિસ્સો છે તું,
પગમાં મારાં વાગે કાંટો,ઘા તારું હૈયું ઝીલે,
પાંપણ પર પીડાનાં ઝરમરતાં જળનો હિસ્સો છે તું,
હસતી બે આંખો ઘૂંટે છે પળ પળની વાતો અઢળક,
વણબોલ્યા તારા શબ્દોની અટકળનો હિસ્સો છે તું,
આપણ બે હૈયાંની રૂડી મૈત્રીનો મેળો ભરચક,
ઢળતી એ સંધ્યાની સાક્ષીનાં સ્થળનો હિસ્સો છે તું,
તારા સૌ સુખદુખનાં શ્વાસોને શ્વસતી હોય કલમ,ને
મારી આ સઘળી ગઝલોની ઝળહળનો હિસ્સો છે તું.
પૂર્ણિમા ભટ્ટ