હ્રદયમાં વિચારોનું મંથન થવા દો,
અમી જેવા શબ્દોનું સર્જન થવા દો.
નકામા દુઃખોનું વિસર્જન થવા દો,
હો મનગમતી પીડા તો ગુંજન થવા દો.
આ શ્વાસોની આવન ને જાવન થવા દો,
ઘડીમાં ધનિકને અકિંચન થવા દો.
કદી અમને મળવાનું પણ મન થવા દો,
કદી આપના હૈયે સ્પંદન થવા દો.
ભલે થાય જગ આખું દુશ્મન, થવા દો,
પધારો તમે, ઘર સજીવન થવા દો.
આ આરંભ ને મધ્ય એળે ગયા પણ,
હવે ભવ્ય રીતે સમાપન થવા દો….
કિરણસિંહ ચૌહાણ