જોડી હથેળી માગતો, ખોલી હથેળી માગતો;
રણમાં નવી શું રીત હો, મંદિર વગર, દરગા વગર !
ટોપી, તિલક, માળા, બધું ગુરુઓ તણો દેખાવ છે;
ભક્તો મહીં ગોતી શકો શો ધર્મ છે ? સંજ્ઞા વગર.
ચઢતી જુએ, પડતી જુએ, ધનવંત ને નાદારની;
બેઠા ક્ષિતિજ પર સંતનું મન સ્થિર ને મંછા વગર.
વૃક્ષો ઉપર એ પાનખર એવી રીતે ખાંગી થઈ;
ચ્હેરા ઉપરના શુષ્ક આંસુ જાય ના ઝંઝા વગર.
લથડી જુબા, તન ધ્રૂજતું, ઝાંખી નજર, દૈ દાટવા;
હું ઊપડ્યો છું બિસ્તરા ને પોટલાં બાંધ્યા વગર.
દેવમ સંઘવી “તત્ત્વમ્”