મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?
સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ
ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?
ગિરિવર સરખો બોજ ઉઠાવે
પુષ્પ તળે કચડાતું;
ઝેર ઘૂંટડા જીરવી જઇને
અમી છલોછલ પાતુ.
આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?
– જયંત પલાણ