કરે વાંચન તો એક નિર્મળ મનોરંજન મળે એને
કોઈનાં હાથમાં જો મારી કિસ્મતની કિતાબ આવે
ત્યારે જોયું ચાલવાની પણ જગા બાકી નથી
જ્યારે મેં વર્ષો પછી તોડી દીધી જંજીરને
તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે
ભલે ને તારી કથામાં અસીમ દર્દ હતું
સવાલ એ જ છે મહેફિલ રડી પડી કે નહીં
એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી
પ્રણયનો પ્રાણ બની ગઈ આ તારી લાચારી
કે તારા મુખથી મને સ્પષ્ટ ‘ના’ નથી મળતી
સુખમાં પણ એવી અસર હોતે તો આનંદ આવતે
દુ:ખની વાતો સાંભળીને દિલ દુ:ખી થઈ જાય છે
એને મહાન ચીજ અમે પણ નથી ગણી
ખાલી મહત્તા દે છે અમારા વ્યસનને તું
એકાદ ખૂણે તો મને રહેવા દે ચેનથી
ઓ જિંદગાની તારા હજારો વિભાગ છે
એવા બુલંદ પ્રેમને હો દૂરથી સલામ
જેમા મને તમારી જરૂરત નહી રહે