મારી અંદર ઊગતું ને વિકસતું એક વૃક્ષ
અલપ ઝલપ હસી લેતું હતું જરાક અમથું…
વસંત હોય, કે પાનખર હોય, કે હોય વર્ષા ઋતુ,
રંગોથી તરબતર દુનિયામાં રંગો રેલાવીને,
રતાંધળાપણાનો ભોગ બનતું એ..મારી અંદર..
ત્યાગમૂર્તિ થઈને પથ્થરમારો સહન કરતું એ,
મધુરા ફળથી તૃપ્ત કરીને જઠરાગ્નિ ઠારતુ,
છાંયડો સ્થાપિત કરવા કાયાને બાળતુ એ …મારી અંદર..
વરસતાં વરસાદ સમુ સદાય વ્હાલ રેલાવતુ,
ઉદાસીના દાવાનળને દબાવવા સદાય
અંઘારાની સાથે બાથ ભીડતુ એ……મારી અંદર.
મેઘધનુષ ની આભા પ્રસરાવતુ,સમયની સાથે રણચંડી બની
પડકારો ને પરાસ્ત કરતું સદાય લીલું છમ રહેતું
મારી અંદર રહેલ વૃક્ષ સદાય કલરવતુ એ…મારી અંદર..
જયશ્રી શિયાલવાલા