મૂઈ! આ કૂખ, ભગવાને દીધી જ શું કામ? ના જન્મ આપવાની ઝંઝટ, ના દુઃખ.
જે કૂખ થકી દુનિયામાં આવવા પામ્યા એ કૂખનું નરાધમો દ્વારા આ અપમાન???
ના સહેવાય, ના કહેવાય ,વગર વાંકે જીવતેજીવ થાય જીવતું મડદું માત્ર!!!
ને દેખાય વાંક દીકરીનો, કેવો અન્યાયી દંભી સમાજ આ વિચિત્ર???
પ્રશ્ન એને કરાય એના કપડાં,એના બહાર જવા પર ને એના સમય પર???
છે માનસિકતા આપણી આ, ના જોઈ શક્યા દાનત એ અધમ રાક્ષસની???
હજુ ક્યાં સુધી આ દુર્યોધન, દુઃશાસન ને રાવણ જન્માવશું આપણે માતાઓ???
અહીં ના ભિષ્મ, ના યુધિષ્ઠિર, ના અર્જુન, ના ભીમ રક્ષી શકે વહાલસોયી પૃથાને..
બળાત્કારી, નરાધમ, રાક્ષસ, દુષ્ટ, હવસખોર, હેવાન,જુલ્મી શું શું કહેવું?
કદાચ આ શબ્દોએ લૂંટાયેલી બેટીની વેદનાને વ્યાખ્યાયિત કરવામાં ઊણા ઉતરે..
આ શબ્દોના ગળે ય તે ડૂમો ભરાયો હશે જ્યારે લખાયા હશે કોઈ દુષ્કર્મી માટે…
ને ઉમટ્યા હશે આંસુઓ અપાર જ્યારે નાનકડી પરી કોઈ ચૂંથાઈ હશે તનથી…
હે ગોવિંદ! ક્યાં સુધી આ અન્યાય, દુષ્કર્મનો સીલસીલો ચાલશે આમ જ???
કોખમાં ડૂબાડે, કોઈ માની નાળથી છૂટી પડતાં મોતની નિદ્રામાં પોઢાડે બેટીને!!!
ને કોઈ દેહના વેપાર અર્થે વેચે, કેટલીયે બેટીઓ બને શિકાર આ દુષ્કર્મનો!!!
ક્યાં મરી પરવારી માનવતા?હે પ્રભુ છે જવાબ? માંગે આ દુલારીઓ તારી પાસે???
જાનવર કહેતાં મન મારું ખચકાય, અહેસાસ અન્યાય કર્યાનો કોરી ખાય.
ભૂંડા મનુષ્ય કરતાં લાખ દરજ્જે સારો વ્યવહાર એમનો જનેતા સમ સ્ત્રીજાત સાથે!!!
નાશ મનુષ્યનો જ્યારે આવે છે ને એનો વિવેક, સંવેદના મરી પરવારે છે!!!
વિકરાલ કાળ જો મુખ ખોલી રહ્યો છે, સમાજ સૌભાગ્ય તારા ફૂટ્યા હવે!!!
રોજબરોજ, ચોરેને ચૌટે રહેંસાય તારી બટીઓ એક નહીં અનેકના હાથે.
હવે તો ડગલે ને પગલે ડર સતાવે ‘મા’ને, જીવન સાવ શૂન્ય ભાસે અમને!!!
સજ્જન પુરુષજાત પરનો વિશ્વાસ હવે મરી પરવારે આ દુષ્કર્મો થકી.
ભાઈઓ થાઓ તૈયાર હવે, નાથીએ આ વિકૃત માનવતાને સહુ મળી સાથે!!!
આ યુગમાં તો હવે તું આવીને કંઈ કરી શકે એવી તારી સ્થિતિ નથી!!!
ને હું રહી ‘મા’,તારામાંથી વિશ્વાસ ઊઠે દુનિયાને એ પણ ના ઈચ્છું હું ગોવિંદ!!!
શું કામ તેં નારીને નારાયણી કહી, આ તો તારું અપમાન છે હળાહળ!!!
લે એ શબ્દો તારા પાછા હરિ, રહેવા દેને માત્ર મનુષ્ય થઈને અમને!!!
………….. ડો. ગીતા પટેલ,.