મૃગજળની માયા છોડી ને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે- એ છળ સુધી જવું છે !
તૈયાર થા ! તું એ દિલ અઘરી છે આ કસોટી-
સાગર સમેટી લઇને, ઝાકળ સુધી જવું છે.
સદીઓના આ વજનને, ફેંકીને કાંધ પરથી-
જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે.
તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ,
મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.
કયા આશયે કરી છે દુનિયાની આ દશા તેં ?
ઇશ્ર્વર ! મને એ તારી અટકળ સુધી જવું છે !
અટકીને એ અચાનક પોઢી ગયા કબરમાં-
કહેતા હતા જે કાયમ આગળ સુધી જવું છે..!
કાયમ હઝારી