મનમાં વાવેલી ઈચ્છાની ક્યારી છે આ મૃગતૃષ્ણા,
આશા સંગાથે દિલમાં સંવારી છે આ મૃગતૃષ્ણા.
જીવન તો છે સૂકી ધરતી, રેતીનું એ મોટું રણ,
ઝંઝાવાતોને ભેટીને તારી છે આ મૃગતૃષ્ણા.
ઝીલી ટક્કર અંગત લોકોની ઈચ્છાપૂર્તિ માટે,
કાયમ એવું શાને લાગે? સારી છે આ મૃગતૃષ્ણા.
આંખોમાં સુંદર સપનાઓ, જોયા સાથીની સાથે,
તૂટયાં એ તો વ્હેતાં જળમાં, હારી છે આ મૃગતૃષ્ણા.
જ્યારે સાચી વાતો સામે આવી ત્યારે લાગ્યું કે,
આ જીવનમાં ફરજોથી પણ ભારી છે આ મૃગતૃષ્ણા.
દોડ્યાં સુખની પાછળ પાછળ, પોરો ના ખાધો પળભર,
થાક્યાં અંતે, તોયે કે’તા, પ્યારી છે આ મૃગતૃષ્ણા.
મૃગ માફક બીજે ફાંફાં મારે, કસ્તૂરી છે ભીતર,
મારે મનથી, તો પણ લાગે, મારી છે આ મૃગતૃષ્ણા.
ચેતના ગણાત્રા “ચેતુ”