મેં વાવી છે જે લાગણી, ફળ ઊગવા જોઈએ,
ઈચ્છા વળી શું હોય બસ, બે બોલ મીઠાં જોઈએ.
સાચો મિત્ર જેને બધી જ, વાત કરવા જોઈએ
કહ્યા વિના સમજી શકે, એ દુઃખ હરવા જોઈએ.
આ સાવ અંધારા મહીં, એનું ય અજવાળું થશે,
એની નજરમાં પ્યાર નાં, બે દીપ હોવા જોઈએ.
ઓળખ એની મળશે નહીં, એનાં ફકીરી વેશમાં,
હૈયે ભરેલાં એ ખજાના ને ય જોવા જોઈએ.
મળશે કદી જો હાર તો, તું હારતો નહિ જિંદગી,
જો કાલે સૂર્યોદય થવા, આજે આથમવા જોઈએ.
આવે અચાનક એ ય જો, અરસા પછી મળવા તને,
આનંદ એનો માણવા, ક્યારેક ખોવા જોઈએ.
સંબંધ સીધા જ હોય તો, સીધી લીટી, એ થઈ જશે,
ક્યારેક મીઠાં તો વળી, ક્યારેક તીખાં જોઈએ.
એકાંતમાં જે યાદ આવે, એ જ અંગત ખાસ છે,
જે સાથ ના છોડે એવા, સંબંધ હોવા જોઈએ.
~ દિપેશ શાહ