ભીનપવરણો આવ્યો અવસર , મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !
છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !
કાલ હતાં જે સાવ સૂનાં ને અવાવરુ એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !
નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં ,
અંદર પણ ઉછળતાં સમદર, મેઘ-મુબારક !
ગોરંભાતું આભ ઉતરતું આખેઆખું,
છલકાતાં હૈયાના સરવર, મેઘ-મુબારક !
મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !
વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને ,
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !
મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !
કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !
ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને,
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !
– નીતિન વડગામા