મસ્તીખોર નટખટ બાળ હવે મોટો થઇ ગયો છે,
નાના ટુચકા માં મોટી વાતો કહેતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
નહી ભાવતા શાક ઝટ થી આરોગતો થઇ ગયો છે,
કાચી પાકી રોટલી નેય મોજ થી માણતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
સોં નખરા કરી ને ઊંઘતો જે તારા ખોળા માં,
એ પથારી વગર જ સીધો ચપાટ સૂતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
તું બૂમો પાડી ને થાકે તોય જેની ઊંઘ નહોતી ઊડતી,
એ હવે વગર એલાર્મ પરોઢિયે ઉઠતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
તું વઢતી ને જયારે એ નવા નવા કપડાં લાવતો,
એ હવે એક જોડી કપડાં માં પણ જીવતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
તારી દરેક વાત ને હસવામાં કાઢી નાખતો ને,
એ આજે દરેક વાત ને સહજતા થી સ્વીકારતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
જેને રિવાજ ના લેવડ દેવડ ની કોઈ ગતાગમ જ નહોતી,
એ આજે દરેક સબંધ ચોકસાઈ થી નીભાવતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
તને ચિંતા હતી ને મમ્મી, કે આ છોકરો શુ કરશે,
એ આજે ઘર થી ઓફિસ ના ચક્કર મારતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
જરાક ઠંડુ થઇ જાય તો ફરી ગરમ કરાવતો ને,
એ આજે ટિફિન ના ઠંડા ડબ્બા માણતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
રમકડાં રમી રમી ને વિતાવ્યું જેને બચપણ,
એ હવે જિંદગી ના મોટા મોટા દાવ રમતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
રમતા રમતા વાગી જાય તો આખુ ફળિયું માથે લેતો,
એ હવે જિંદગી ના દરેક દર્દો સરળતા થી સહેતો થઇ ગયો છે,
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
હા મમ્મી, જો તારો લાલ હવે મોટો થઇ ગયો છે..
– અલ્પેશ પ્રજાપતિ