મૌનનાં અંધારને ભેદાય નહીં
શબ્દનો દીવો યે પ્રગટાવાય નહીં
જાતને પણ એમ શણગારાય નહીં ,
આયના પર ચિત્ર કંઇ દોરાય નહીં !
ઊંડે ઊંડે પાંગરી છે મુગ્ધતા,
અંચળો ઉંમરનો ફંગોળાય નહીં.
સાવ કુંવારી અવસ્થા મીરાં સમ,
મોરપીંછુ કૃષ્ણનું સ્પર્શાય નહીં.
છે અષાઢી વાદળોની આ અસર,
મન અમસ્તું વાછટે ભીંજાય નહીં.
વાંસમાં ઉછરી રહી સરગમ નવી
ખુદને છેદી સૂર રેલાવાય નહીં ?
-પૂર્ણિમા ભટ્ટ