પ્રેમમાં થઇ તરબતર, પોકારમાં ભીંજાય રંગો,
મર્મ બોલે, સ્નેહના સ્વીકારમાં સમજાય રંગો.
લાલ, લીલો, વાદળી, પીળો, ગુલાબી, કેસરીયો,
આસમાની ચૂંદડીમાં આજ તો સોહાય રંગો.
પર્વ આવ્યો શ્રેષ્ઠ હોળીનો, હિલોળા ખાય હૈયાં,
આ દિવાની પ્રીતમાં નિત નિત નવાં રેલાય રંગો.
રંગવાની હોડ લાગી એકબીજાને મજાથી,
આજ તો તકરાર ને ચકચારમાં ચર્ચાય રંગો.
હું છું મોટો, તું છે નાનો, બોલતાં ના એ કદી પણ,
મેઘધનુષી થઇ સદા મલકાઇને જોડાય રંગો.
રંગબેરંગી છે રંગો, ખાસિયત, ફિતરત નિરાળી,
અંતમાં તો શ્વેત થાવાં, ખુદમાં પણ ખોવાય રંગો.
માણસાઈમાં છલકતી દિવ્ય રંગોળી અલૌકિક,
ખાનદાનીમાં વસીને સૌમ્ય થઇ દીપાય રંગો.
ચેતના ગણાત્રા “ચેતુ”