રાધા બનો તો ક્હાનના સંદર્ભમાં કહેવું પડે.
પ્રીતી કરો તો પ્રેમના સંદર્ભમાં કહેવું પડે.
ખાલી ગઝલમાં નામ લખ્યે મીર ના ગણશે તને,
“તું શ્વાસ છે”- એ એમના સંદર્ભમાં કહેવું પડે.
છો કેટલા ચકચૂર આખી જાત સોંપી જેમને,
એના નશીલા નૈનના સંદર્ભમાં કહેવું પડે.
આપો છો આમંત્રણ નજરથી એમ ના એ આવશે,
ચીરી હ્રદય આહ્વાનના સંદર્ભમાં કહેવું પડે.
ખાલી જલાવી જાતને વિરહાગ્નીમાં શું જીવવું?
સન્મુખ જઇને આગના સંદર્ભમાં કહેવું પડે.
પાયલ ઉનડકટધર્મ ભૂલ્યા માનવીપર આળ છે સંજોગનું.
વિશ્વ આખું સંક્રમણનું ભોગ થ્યું મહારોગનું.
જે કહેતા, “હું વિધાતા, હું ચલાવું વિશ્વને,”
આજ એ લાચાર લઈ પાનું ફરે સહયોગનું.
ગામ ઘર એક્કે બચ્યું ના કોરોનાના કહેરથી,
આંખમાં અશ્રુ સ્વજનની વેદનાના સોગનું.
ના દવા દોરા છે તારણહાર આવા રોગના,
કામમાં આવ્યું નહીં જે લાગતું ઉપયોગનું.
દોષ દ્યો છો શું બીજાને? જાતને ઢંઢોળજો,
છે કસોટી કર્મની ને પાપ ઉઘાડેછોગનું.
પાયલ ઉનડકટ