લઈને યંત્રો બધી વિગત આવ્યા,
તારી આંખોમાં હરવખત આવ્યા.
માની ઈચ્છા હતી ભલા આવે,
માની ઈચ્છા મુજબ પરત આવ્યા.
શોધ મંઝિલની લઈ નીકળ્યા’તા,
મારગોએ કહ્યું : ગલત આવ્યા.
એમ લાગ્યું તમે જ આવ્યા છો,
એમ જાંણી અમે તરત આવ્યા.
દોસ્તી ના ગમી તો ફળીયામાં,
પ્રશ્ન-પથરા ઘણાં સખત આવ્યા.
દોસ્ત, અમને સુદામા ના સમજો,
ફકત મળવા જ બીનશરત આવ્યા.
સિદ્દીકભરૂચી