અમે ઓછી કરી છે પ્રાર્થના પણ મન લગાવ્યું છે,
તમે તો સાધુ થઈ ને ધર્મ પર લાંછન લગાવ્યું છે.
ફરક બસ એટલો છે ભક્તિમાં તારી અને મારી ,
મેં માટીથી કરી પૂજા તમે ચંદન લગાવ્યું છે.
લૂંટાશે દ્રોપદીની આબરુ પણ કૃષ્ણ નહિ આવે ,
ફરી આ પાંડવો એ દ્યૂત રમવા ધન લગાવ્યું છે .
તપસ્યા શબરી જેવી જોઈએ જાહોજલાલી નહિ,
તમે ક્યાં રામ માટે ઘાસનું આસન લગાવ્યું છે .
ગરીબી દૂર કરનારા ય સોદાગર મળી આવ્યાં ,
ઘણી લાચાર સ્રીઓેએ નરકમાં તન લગાવ્યું છે.
જનમ લેતા જ રાવણ ધૂળધાણી થઈ જશે ‘સાગર’,
સદા મનમાં પ્રભુ શ્રી રામનું શાસન લગાવ્યું છે.
રાકેશ સગર