લે! આપણા વચ્ચે હવે ક્યાં પ્રેમ છે
જેં આપણી વચ્ચે છે સધળૉ વ્હેમ છે
પ્હેલા સતત મારી ખબર લેતી હતી
દસ વાર’દી મા પૂછતી “તું કેમ છે?”
સામે મળી તો મોં ફૂલાવ્યુ એવું કે
લાગ્યું મને આ તો સમયની ગેમ છે
દરિયા તરફ કેવી રીતે પ્હોચે નદી?
રસ્તામાં એને રોકી લેતા ડેમ છે
ઓળખ ગુમાવી દે નદી સાગરની થઇ
સતલજ,યમુના,રાવી,ગંગા સેમ છે
ગોવિંદથી લઇ દ્વારીકાનો નાથ કૃષ્ણ
ઓ હરિ તમારા કાં હજારો નેમ છે?
જ્યાં લાગણીનુ કોઇ વળતર નાં મળે
બરબાદ કરતું ઇશ્ક નામે સ્કેમ છે
મારી મહોતરમા નજર સામે નથી
દિલમા જુઓ,સોને મઢેલી ફ્રેમ છે
– નરેશ કે.ડૉડીયા