શાશ્વત ભાસતી સરાઇને જીર્ણશીર્ણ વસ્ત્રોની જેમ ફગાવી દીધી ,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
સ્વપ્ન સમાન ઘર,બાર,પત્ની ને સંતાનોને કાંચળીની જેમ ફગાવી દીધી,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
ખુદની જ નનામી બાંધી કરીને મોટીમસ સુનામી સર્જી દીધી,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
ડાઘુઓને ચર્ચા કરી નક્કી કરવા દો કે દફન કરવું છે કે દહન?,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
લાગે છે કે ઘણી હો હા થશે અમારો પ્રસંગ છે ને અમારી હાજરી નથી,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
સમાધિ બનાવવી કે કબર ચણવી એ તમારે નક્કી કરવાનું છે,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
ઊતર ક્રિયા કરવી કે ઝીયારત કરવી એ મારે કયા નક્કી કરવાનું છે?
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
ભરત હતો તે શિવમાં એકાકાર થઈ સમષ્ટિમાં વિલીન થઈ ગયો,
લો આપણે યમદૂત સાથે ચુપચાપ ચાલતી પકડી.
ભરત વૈષ્ણવ