થઇ ગયા જ્યાં સવાલ વસ્તીમાં,
થઇ ગઈ ત્યાં બબાલ વસ્તીમાં.
રોજ આશ્ચર્ય , રોજ સરપ્રાઈઝ,
રોજ બનતું કમાલ વસ્તીમાં.
વાવ શ્રદ્ધા , પ્રચાર કર પુષ્કળ,
પાથરી દે , રૂમાલ વસ્તીમાં.
હાથમાં સૂર્ય લઈને શોધું છું,
ક્યાં રહે છે વહાલ વસ્તીમાં.
ગામ નાનું પછાત દીસે છે,
એકેએક છે મિસાલ વસ્તીમાં.
આંસુઓ પણ અહીં મજામાં છે,
દર્દ પણ ખુશ ખુશાલ વસ્તીમાં.
માનવી છે, અહીં રહે , ન રહે,
છે જુદી સૌની ચાલ વસ્તીમાં.
કોઈ દિલ લગ પહોંચવા” સિદ્દીક”,
એક ગઝલને ઉછાલ વસ્તીમાં.
સિદ્દીકભરૂચી.