વાત રામ ની નીકળે ત્યારે ચોપાઈ નાખજો મારી બોલી,
પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી.
દિલ થી દિલ ને જોડતો સેતુબંધ હાલ્ય ને જલ્દી બનાવીએ,
કાંકરીચાળો બંધ કરી કાંકરી સમુદ્ર માં પધરાવીએ.
ટીપે ટીપે સરોવર ભરાય એ સાચું પણ,
કાંકરી કાંકરી એ કર્તવ્ય નો ધર્મ નિભાવીએ.
સત્ય,પ્રેમ,કરુણા થી ભરજો સૌ ઝોળી.
પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી.
ભરોસા નું સૌ આપો ટોકન,ને કરો દસ્તાવેજ દિલ ના.
જે જગત ને પાર ઉતારે,તેને પાર ઉતાર્યા તે હૃદય ભીલ ના.
દુનિયાદારી સૌ પડતી મેલો,
ચાલને રમીએ ભાવ – પ્રેમ ની હોળી.
પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી.
અંતિમ ટકોરે તું જ આવજે લેવા,
દધીચિ નથી પણ બનાવીશ દિલ ના મેવા,
તારી પાસે છે બધુંય તને દેવુય શું શ્યામ?
મારા માં થી તને ગમતું તું જ લેજે ખોળી.
પ્રભુ તું મને બનાવજે ને ખિસકોલી.
-મિત્તલ ખેતાણી