ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી,
ગઝલ વાંચન વિના સમજે છે જેઓ વેદના મારી.
હજી તુજથી વફાની આશા રાખે છે વફા મારી,
પછી સાંભળજે હમણાં તો અધૂરી છે કથા મારી.
શિકાયત શું અગર કોઈ નથી કરતું દયા મારી,
ઘણી વેળા ન દેખાઈ મને પણ દુર્દશા મારી.
નથી એથી વધુ કાંઈ હતી એ કલ્પના મારી,
મગર મારા ગુનાઓથી વધુ નીકળી સજા મારી.
મહોબતમાં ભલા ક્યાંથી રહે સ્વાધીનતા મારી,
તને જે કંઈ પસંદ આવે બની જાએ પ્રથા મારી.
એ સારું છે, કબૂલી લે ઉતાવળથી દુઆ મારી,
નહિ તો આરઝૂ વધતી જવાની ઓ ખુદા મારી.
હંમેશા સારી વસ્તુ સારા હાથોમાં જ શોભે છે,
ફરિશ્તાઓ હવે મારા વતી માંગે દુઆ મારી.
મને ઓ દોસ્તો! એ વાતમાં મજબૂર ન કરજો,
કે મારા હોઠ પર આવીને અટકી જાય ‘હા’ મારી.
હરીફોને આ મારો રંગ કાંટા જેમ ખટકે છે,
કે હું શબનમ નથી તોયે છે ફૂલોમાં જગા મારી.
હજી સાકી! બુલંદી પર વધુ લઈ જા સુરાલયને,
હજી આકાશની મોહતાજ છે કાળી ઘટા મારી.
સહારાની જરૂરત છે, ગમે ત્યાંથી મળી જાએ,
ગરીબોની હું દ્રષ્ટિ છું બધે બંધ છે દિશા મારી.
હું મારા શ્વાસની માયામાં લપટાયો છું દુનિયામાં,
બચાવ ઓ મોત આવીને, મને લાગી હવા મારી.
ખુશામત નામ જેનું હોય છે દુનિયાની ભાષામાં,
ખુદા સામે રજૂ થાએ તો થઈ જાએ દુઆ મારી.
કહ્યાં જે શેર મહેફિલમાં રહ્યા તે મારા અંતરમાં,
કે મેં ઢોળી દીધી તો પણ ન ઢોળાઈ સુરા મારી.
હવે શું રહી ગયું એવું મને જેની તમન્ના હો,
છે મસ્જિદ માં ખુદા મારો, સુરાલયમાં સુરા મારી.
હું માનું કે ન માનું , એની એ પરવા નથી કરતો,
સમય જ્યારે પડે છે લાજ રાખે છે ખુદા મારી.
મહોબતમાં અને વહેવારમાં એક જ તફાવત છે,
તમારું દર્દ હું પૂછું તમે પૂછો દવા મારી.
આ એક શાયરની પંક્તિ છે, ‘મરીઝ’ જેનું તખલ્લુસ છે,
નથી ગુજરાતના પૂરતી ગઝલ મારી, કલા મારી.
મરીઝ