રોજ
સ્પર્શની બારાખડી
મારી સ્લેટ પર ઘૂંટાય છે
અને એટલે જ
એક સ્પર્શને
બીજા સ્પર્શથી
અલગ તારવી શકતી નથી.
હું ભૂલી ગઇ છું સ્પર્શનો આદિમ રંગ
રસ્તા પર ફેંકાયેલી
નારંગી પર
મોટરનું ટાયર ફરી જાય એમ
ફરે છે કોઇનો દેહ.
અમે કોઇની નીચે ધન્ય ધન્ય નથી થઇ જતાં
અને છતાં, ઘન્ય થઇ જઇએ છીએ
એવો દેખાવ કરીએ છીએ
જેથી પુરૂષને એના પૌરૂષની ખાતરી થાય.
અહીં કામ હાજર હોય છે,
પણ રતિની ગેરહાજરીમાં.
અમને ઉજાગરો લાગે છે,
પણ મીઠો નહીં, તૂરો.
નિરંજન ભગત