ચાંદ, સૂરજ, તારલા સૌ આભનો શણગાર છે,
ચાંદની લાગે નવોઢા, રાતનો શણગાર છે.
યાદનું કાજળ ભલે પણ તું નથી જો સ્વપ્નમાં,
તો મને લાગે અધુરો આંખનો શણગાર છે.
સાદગીના નૂર સામે ચાંદ પણ ફિક્કો પડે,
છે જગતમાં સૌથી ઉત્તમ પ્યારનો શણગાર છે.
શ્વાસ ને ધબકાર તો મહેકે નહીં કારણ વગર,
તું જ રોમે રોમ, તારા નામનો શણગાર છે.
રુબરુ તું છો નથી પણ સાથ તારો કાયમી,
હૈયું ધબકે એકધારું, યાદનો શણગાર છે.
મૂછ રાખીને મરદ ક્યારેય થઈ શકશો નહીં,
કો’કને આપો સહારો, કાંધનો શણગાર છે.
આંખમાં મારી ખુમારી, હોઠ પણ બેબાક છે,
તેજ ઉછીનું નથી પણ જાતનો શણગાર છે.
આંખથી મોતી સરી કેવું ગુલાબી થઈ ગયું!
ખંજને ઝળહળતું ‘આશુ’ ગાલનો શણગાર છે.
– અશોક આઈ. લાલવાણી