શબ્દોની સોગાત ધરી તેં,
જાત સમી જઝબાત ધરી તેં !
આંસુથી રંગી ઓશિકું–
ઉલ્ફતની આયાત ધરી તેં !
જાત સ્વયં મિટાવી દઈને–
ઝળહળ જ્યોતિ જ્ઞાત ધરી તેં !
દૂર રહીને દોલત સઘળી–
ક્ષણભરમાં સાક્ષાત્ ધરી તેં !
અક્ષર, શબ્દો, ભાવો, અર્થો–
લેખિની ઉદ્દાત ધરી તેં !
વીણાનાં સ્વર અંતર માંહે–
ભરી-ભરીને જાત ધરી તેં !
આંખો વરસી ધરી હથેળી–
મેં ય ધરી અર્થાત્ ધરી તેં !
~ ગુણવંત ઉપાધ્યાય