શૅરમાં નાયકની આખી જાતને મૂકી દીધી,
બુદ્ધિના કોરા કવરમાં વાતને મૂકી દીધી.
હિરલાઓ ક્યાં ચમકશે ? કોઈએ માંગી સલાહ,
આગિયાએ કાન આગળ રાતને મૂકી દીધી.
હાથ બે મળ્યા અને મક્કમ બની બે મોસમો,
આખરે એવું થયું કે નાતને મૂકી દીધી.
કેટલા સુંદર ખીલ્ચા છે આપના મુખના સુમન,
કો ‘ ખુશીએ કેફમાં ઓકાતને મૂકી દીધી.
ક્રોધનો ઘુઘવાટ કરતો એક દરીયો આવતાં,
આંખને વાંચી તરત તાકાતને મૂકી દીધી.
પ્રેમની ધરતી ઉપર ” સિદ્દીક” તને લઈ આવ્વા,
સેંકડો અપવાદની પંચાતને મૂકી દીધી.
સિદ્દીકભરૂચી