ટેરવા બેભાન થાતા જાય છે,
તો ય આ લેસન કયાં પૂરું થાય છે.
*
એક હોસ્પિટલ અહીં સામે જ છે,
ઝુંપડી તો પણ હજુ ખાંસે જ છે.
*
સ્વાદને આવ્યા વિના છૂટકો નથી,
રોટલી ‘મા’એ વણેલી હોય છે.
*
થેલીનું કેવું રૂપાંતર થાય છે,
ચોપડી ભરવાથી દફતર થાય છે.
*
આંગણે આવીને ચકલી ગાય છે,
દીકરીની યાદ તાજી થાય છે.
*
પ્રેમથી લોંપેલ ઘરમાં આવી ગયા,
જાણે કે માના ઉદરમાં આવી ગયા.
*
બે’ક ગઝલો થઈ પ્રગટ ત્યાં તો તમે,
રેશમી પરિધાનમાં આવી ગયા.
*
ધૂળનો ગુલાલ કરતા હોય છે,
બાળકો કમાલ કરતા હોય છે.
*
એ જો આવ્યા આજ અચાનક,
ઘરનો ખૂણેખૂણો થાનક.
*
– રાકેશ હાંસલિયા
(જે તરફ તું લઈ જશે…ગઝલ સંગ્રહ )માં થી
ચહેરા પાછળ ચહેરા
ચહેરા પાછળ ચહેરા પાછળ ચહેરા. સાચ ઉપર આ દંભ,જૂઠના કેટકેટલાં પહેરા. માણસને ના કોઈ ઓળખે. હજાર એના મહોરાં. ચકચકતી એ...