નયણે વસીને કર મને તું સંક્રમિત હવે,
સમણે ઝૂલીને કર મને તું સંક્રમિત હવે.
લે, ઓઢણી બની છે બુકાની, અરે પવન!
પાંપણ ચૂમીને કર મને તું સંક્રમિત હવે.
કે સાવ કોરી થઈ સરે ભીતર ક્ષણો સતત,
સ્મરણો બનીને કર મને તું સંક્રમિત હવે.
ભીનાશ લાગણીની ઉડી બાષ્પ થઈ બધી,
વાદળ ભરીને કર મને તું સંક્રમિત હવે.
ઊભી રહી છું હાથ પ્રસારી હું ત્યાંની ત્યાં,
પાછો વળીને કર મને તું સંક્રમિત હવે.