સત્યવાદી ઘરાક છે અહિયાં,
ને જમાનો અવાક છે અહિયાં.
નમ્ર કોઈ નથી કે પ્રેમ કરે,
હા,અવાજોની ધાક છે અહિયાં.
આજ મોબાઈલોની વસ્તીમાં,
કોણ ક્હે છે કે ડાક છે અહિયાં?
દિલ, દિમાગો , ને કાન બેઠા છે,
આ ઇલાકાની નાક છે અહિયાં.
કૈ’ ઉમળકાના બલ્બ ચમકે છે,
લાગણી તો જરાક છે અહિયાં.
‘ છે ખબર’ , હાલચાલ સારા છે,
“બંધ” જડબેસલાક છે અહિયાં.
વૉટ આપી મને , પ્રજા ખુશ છે,
એમાં મોટી મજાક છે અહિયાં.
અલવિદા પણ કહી નથી શકતો,
એય નાની તલાક છે અહિયાં.
સિદ્દીકભરૂચી.