દીકરી:
મા, મારી ચૂંદડી નથી રે મનભાવતી
જેવી હું ધારતી’તી રંગ રુપ શોભામાં
એવી નથી એ મને લાગતી
જાતજાતનાં મેં રંગ ઓઢીને ધારેલી
મારી મનગમતી એક ભાત
એનાં એ રંગ છતાં લાગે છે એમ
જાણે ખૂટે છે કૈંક હજી વાત !
મારી પસંદ અને મારી એ ધારણાની
ભૂલ મને રહેતી સતાવતી.
મા, મારી ચૂંદડી નથી રે મનભાવતી.
મા:
ધારણાને ઉડવાને આભ મળે મોકળું
પણ હોવાની ધરતી છે જૂદી
બેની વચ્ચેનો ભેદ સમજી સ્વીકારે
એ સુખી થયાં છે આજ સુધી
બે ડગલાં આપણે જો સામાં જઇએ
તો સામી વ્યક્તિ પણ બે ડગલાં આવતી.
જે છે એ જ લાગે મનભાવતી
રંગ તો ઉમંગ કેરો શોભે ઓ દીકરી
ઉમંગ વળી સંગ કેરો સાચો
સંગ સંગ શોભશો તો છલકે ઉમંગ
બેટા, બીજો તે રંગ બધો કાચો
સમજણનાં આંગણામાં લાગણીની કળીઓ
એ ખીલશે સહજીવન મ્હેકાવતી .
જે છે એ જ લાગે મનભાવતી
દીકરી:
સાચું કહ્યું મા, છે ચૂંદડી તો એ જ
જેવી ધારી’તી એવી હવે લાગતી
અણસમજુ થાઉં કદી થાઉં ઉતાવળી
તો રહેજે તું આમ જ સમજાવતી
મને ચૂંદડી મળી છે મનંભાવતી