સ્પષ્ટ હા કે ના કહી દે, તું સમય માંગ્યા ન કર.
ને વિષય શોધી ગઝલમાં, તું પ્રણય માંગ્યા ન કર
કેમ એ રૂંધાય છે જાણ્યા પછી પણ અવગણે,
શ્વાસનાં આવાગમનનાં, તું વલય માંગ્યા ન કર.
શક્યતાનાં અવયવો પાડી ગણ્યો મેં દાખલો,
પદ મુજબ એનો ફરીથી તું વિષય માંગ્યા ન કર.
કેટલી વીતી પ્રતીક્ષામાં ક્ષણો કોને ખબર!?
એ ક્ષણોના કાફલાનો તું વિલય માંગ્યા ન કર.
ધારણાઓ ધારવી પણ કેટલી ધીરજ સહી
સાધ્ય તું, સાબિત કરું શું? તું પ્રમય માંગ્યા ન કર.
પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’