સારાંશ સપ્તક સૂરનો સંકલ્પના સ્વીકારમાં,
સત્યમ્ ની સરગમ સુંદરમ્ સંગીતના સત્કારમાં.
રેલાય રંગો રાગના રગરગ રજત રણકારમાં,
રહે રાત રોશન રીતસરની રોશનીની રાહમાં.
ગમતીલુ ગોકુળ ગોપ ગોપી ગીતના ગુલઝારમાં,
ગોપાલ ગીતાસારથી ગુંજે ગગન ગિરનારમાં.
મહેકે મધુર મબલખ મરમ મલકાઇને મનવારમાં,
મોહનની મમતામાં મઢી, મૂકે મને મઝધારમાં?
પથરાય પુલકિત પુષ્પનો પમરાટ પળપળ પ્યારમાં,
પામ્યાં પરમ પાવન પ્રથાઓ પ્રીતના પોકારમાં.
ધન ધાન ધરતી ધૈર્યથી, ધરણી ધરમ ધરનારમાં,
ધડકન ધબકતી ધન્યતા ધૈર્યના ધબકારમાં.
નિત નિત નિભાવીએ નિયમ ને નીતિઓ નિર્ધારમાં,
નટવરના નર્તનને નમન, નૈતિક નજર નરનારમાં.
સાહસ સનમના સ્નેહમાં સરિતા સરે સુનકારમાં,
સોહે સુરીલો સાથિયો સન્માનથી સંસારમાં.
ચેતના ગણાત્રા “ચેતુ”