સળવળતી ઈચ્છાઓને ભીતર ભંડારી રાખી છે
હા,મેં મારામાં જીવતી મીરાં, કુંવારી રાખી છે
સંધ્યાનાં સંગે ગુજરેલી શ્યામ મિલનની એ હર પળ
સોહાગી શમણે મેં ધબકતી સૌ સંસારી રાખી છે
શબ્દ અધરથી લઇ મારા તેં ચૂમી લીધાં’તાં જે જે,
ગુંથી શબ્દ,ગઝલની ભાષા ય અલંકારી રાખી છે
કંઇ યુગોથી પથરાયેલા ખાલીપાને તરવા મેં
સંબંધ કિનારે નાવ હ્રદયની લંગારી રાખી છે
ઝાકઝમાળી કાગળના ફૂલો સમ રોશન દુનિયા,
છળતા આગિયા,બંધ હથેળી અંધારી રાખી છે
ચાંદ સિતારા નભનાં પૂછે વાત ગજબની કંડારી
રાત અલખની પૂનમ અજવાળી સંસ્કારી રાખી છે
પૂર્ણિમા ભટ્ટ