પહેલાં જેવો હવે ક્યાં પ્યાર થાય છે
સવારે દિલમાં સાંજે તડીપાર થાય છે
જીવતો બાપનેય બોલાવે છે કહી ડેડ
મા નો પણ ‘મોમ’ ઉચ્ચાર થાય છે
સત્ય સફળ હોય તો જ સ્વીકારે સૌ
બાકી જૂઠનો જયજયકાર થાય છે
ઉપકારનો બદલો અપકારથી થાય છે
જીતનું સ્વાગત અહીં હાર થી થાય છે
પ્રભુને ના માનતાં લોકો લ્યે છે માનતા
બધી જગ્યાએ ફક્ત વ્યાપાર થાય છે
જન્મોજન્મની વાતો તો કરતાં જ નહીં
હવે તો મૈત્રીનાં પણ કરાર થાય છે
શું સાચું હવે કે શું છે સુષ્ટિ વિરુદ્ધનું
હવે કલમ 377નો ય સ્વીકાર થાય છે
ભેટે છે સદીઓનાં દુશ્મનો પણ સ્વાર્થે
હવે કૃષ્ણ સુદામાની ય તકરાર થાય છે
પહેલાં તો વેચાતું હતું ફક્ત શરીર જ
હવે આત્માનો ય વ્યભિચાર થાય છે
બૂચ મારશો તોજ બની શકશો શ્રીમંત
હવે એથી જ કુબેર નાદાર થાય છે
-મિત્તલ ખેતાણી