સાવ થાકી આભ રોજે સાંજ લાવે.
હાર માની આભ રોજે સાંજ લાવે.
દિન ઢળી લાગે મળે છાનો ધરાને,
તાપ તાપી આભ રોજે સાંજ લાવે.
ધોમ ધખતાં લોથપોથે લાગતો એ,
ભાન ભૂલી આભ રોજે સાંજ લાવે.
રાહ સૂની, ચાહ સૂની, શું ફળે ત્યાં?
રંગ શ્રાવી આભ રોજે સાંજ લાવે.
જગ સજીવે પાંખ બીડી જંપતા ત્યાં,
નેમ રાખી આભ રોજે સાંજ લાવે.
આ નજારો વાદળાં નો સંગ માણે,
આવકારી આભ રોજે સાંજ લાવે.
કોકિલા પણ સાંજ થાતાં થાકતી ને,
સાદ દાબી આભ રોજે સાંજ લાવે.
કોકિલા રાજગોર